સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 222મી જન્મજયંતિ
જન્મ તારીખ 04-11-1799, સોમવાર
વિક્રમ સવંત 1856ના કારતક સુદ સાતમ,
માતા : રાજબાઈ ઠક્કર
પિતા : પ્રધાન ઠક્કર
જન્મ સ્થળ : ગામ વિરપુર
જનોઈ સસ્કાર સંવત : 1870
લગ્ન સંવત : 1872, આટકોટના પ્રાગજી સોમૈયાની સુપુત્રિ વીરબાઈમાં સાથે
સંતાન : એક દીકરી – જમનાબેન
સંવત : 1873 જલારમનો પ્રથમ પરચો
સંવત : 1874 ચારે ધામની જાત્રા કરી ફતેપુરના ભકત ભોજલરામ પાસે ગુરુ કંઠી બંધાવી.
સંવત : 1876 મહા સુદી-ર તારીખ 18-11-1820 સોમવારના શુભ દિવસે સદાવ્રતની શરૂઆત કરી.
સંવત : 1886 સાધુ સ્વરૂપે ભગવાન આવ્યા વીરબાઈમાની માંગણી કરી છેવટે જોળી ધોકો આપ્યા
સંવત : 1901 જામનગર મહારાજા રમલજીના દરબારમા બાપાના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.
સંવત : 1934 થાણા ગાલોળ ગામના જીવરાજ વડાલિયાની ખાલી કોઠીયો બાપાની લાકડીના સ્પર્શથી અનાજથી ભરાઈ ગઈ
સંવત : 1835 કારતક વદી નોમ સોમવાર તારીખ 18-11-78 વીરબાઈમાનો વૈકુંઠ વાસ.
સંવત : 1837 બુધવારે તારીખ 23-02-81 ભજન ગાતા ગાતા જલારામબાપાનો વૈકુંઠ વાસ.
‘રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય જય જલારામ’ની પ્રાર્થના સાથે સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 222મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. યાત્રાધામ વિરપુરમાં સંત શિરોમણી પૂજય જલારામ બાપાની 222મી જન્મજયંતિ કારતક સુદ સાતમને ગુરૂવારે તા.11 નવેમ્બરના રોજ ઉજવાશે.
ગત વર્ષે કોરોના મહામારીને કારણે પૂજય બાપાની જન્મજંતિ સાદાઈથી ઉજવાઈ હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હળવી થતા યાત્રાધામ વિરપુરમાં ધામધૂમથી ઉજવણી થશે. તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુરમાં ગુરૂવારે સંત શિરોમણી પૂ. જલારામબાપાની 222મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે. કોરોના મહામારી હળવી થતા વિરપુરવાસીઓમાં પૂ. બાપાની જન્મજયંતિ ઉજવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઘરોઘર તોરણો બાંધી રંગોળીના સુશોભનો કરાયા છે. બજારો ધજાપતાકા રોશનીના શણગારથી દીપી ઉઠી છે. તો જલારામ મંદિર પણ રોશનીથી ઝળહળી ઉઠયું છે.
*જલારામ જયંતિ*
ભક્તશિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી સૌરાષ્ટ્રના વીરપુર સહિત દેશભરમાં થશે. જલારામ બાપાનો જન્મ લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તેઓ ભગવાન રામના ભક્ત હતા. તેમનો જન્મ જ જાણી સેવા અને ભક્તિ માટે થયો હોય તેમ જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા.
તેમણે તેમના જીવનકાળ દરમિયાન અને પછી ભક્તો અને જરૂરીયાતમંદોને અનેક પરચા આપ્યા છે. આજે પણ ભક્તો માટે જલારામ બાપા હાજરાહજૂર રહે છે. આજે તેમની 218મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે.
એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે. જલારામ બાપાએ રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા. તેમની સાથે સીતામાતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ. એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થટેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય પૂરા જ નથી થતા. તે અક્ષયપાત્ર બની ગયું છે. આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા.
વાયકા મુજબ ગુણાતીતાનંદ સ્વામી એકવાર જૂનાગઢથી આવતા વીરપુર રોકાયા. જલારામ બાપાએ તેમની એટલી સરસ સેવા કરી કે તેમનાથી પ્રસન્ન થઈને સ્વામીએ આશીર્વાદ આપ્યા કે તેમની ખ્યાતી દેશ વિદેશમાં ફેલાશે અને વીરપુર એક મોટું તીર્થસ્થળ બની રહેશે. જલારામ બાપાની પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી. વીરપુર આવનાર દરેક વ્યક્તિને તેની જાતિ, ધર્મ પૂછ્યા વિના જલારામ બાપા ભોજન કરાવતા. આજની તારીખે વીરપુરમાં આ પ્રથા ચાલુ છે.
એક સમયે હરજી નામના દરજીને પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો અને તે જલારામ બાપા પાસે મદદ માંગવા ગયો. બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરજીનું દુઃખ દૂર થઈ ગયું. તે બાપાના પગે પડી ગયો અને તેમણે પહેલી વાર તેમનું સંબંધોન ‘જલારામ બાપા’ તરીકે કર્યું. ત્યાર પછી લોકો પોતાના રોગ અને દુઃખ દૂર કરવા માટે જલારામ બાપા પાસે આવવા માંડ્યા. બાપા રામ નામ લઈ તેમના માટે પ્રાર્થના કરતા અને ચમત્કાર થતા. હિન્દુ અને મુસ્લિમ બંને જલારામ બાપાના શિષ્ય બન્યા. આજે પણ શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાનું ધ્યાન ધરનારા ભક્તોને તેમના પરચા મળે છે.
એવી વાયકા છે કે એક વખત ભગવાન વૃદ્ધ સંતના રૂપે જલારામ બાપાને મળ્યા અને તેમને વીરબાઈને તેમની સેવા માટે મોકલવા કહ્યું. જલારામ બાપાએ પત્નીની મંજૂરી મેળવી તેમને સાધુ સાથે જવા કહ્યું. થોડું ચાલ્યા બાદ સંતે વીરબાઈને તેમની રાહ જોવા કહ્યું. તેમણે ઘણીવાર રાહ જોઈ પણ સંત ન દેખાયા. એની જગ્યાએ આકાશવાણી થઈ કે તે તેમની મહેમાનગતિની કસોટી હતી. સંતે અદૃશ્ય થતા પહેલા એક દંડ અને ઝોળી વીરબાઈને આપ્યા. વીરબાઈએ જલારામ બાપાને આખી વાત કરી અને દંડ તથા ઝોળી આપી. આજે પણ વીરપુરના જલારામ મંદિરમાં તે ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે.
અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાના કામનું સ્થળ હતું. આ ખરેખર તો એક ઘર છે જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા. આ ઘરમાં જલારામ બાપાની ચીજોનો સંગ્રહ છે સાથે જ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા છે. વાયકા મુજબ ભગવાન દ્વારા અપાયેલા ઝોલી અને દંડ પણ ડિસ્પ્લેમાં મૂકાયા છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. વર્ષ 2000થી આ મંદિરે ડોનેશન સ્વીકારવાનું પણ બંધ કરી દીધુ છે છતાંય અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓને મફત પ્રસાદનું વિતરણ થાય છે. પ્રસાદમાં સવારે ગાંઠિયા બુંદી અને શાક તથા સાંજે ખીચડી-કઢી અને દેસી ઘી આપવામાં આવે છે.
રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો નાનકડું ગામ જેવું ગામ છે પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. વીરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર. દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે.